અનુવાદ- નમ્રતા દ્વિવેદી.
ફોટા – દિનેશ પી શુક્લા
ગુજરાતમાં જ્યારે કોઈ એમ કહે કે “ઈંડા વિનાનું,” ત્યારે તમે જરા અટકી ને પૂછશો, “શું કહ્યું?”
“ઈંડા વિનાનું?…”
આ શબ્દ ઘણી રીતે ઉચ્ચારાય છે, જેમ કે “એગ્લેસ,” “એગલ્સ,” ” એજલેસ અને “એકલેસ,” જેના કારણે “eggless” શબ્દ ખરેખર તમારા કાને પહોંચતો નથી. એગ્લેસનો અર્થ ઓછા ઈંડા એવું નથી, પરંતુ સાવ ઈંડા વગરનું. એટલે કેકમાં જરા પણ ઈંડા ન હોવા જોઈએ.
સામાન્ય રીતે, આ વાત કોઈ પણ સ્વાદ-પારખું “કૂક”, “બેકર”, અથવા મૌલિક કેક પસંદ કરનાર ને આંચકો આપે તેવી છે. મારી જાણ પ્રમાણે ઈંડા વગરની કેક મૂળ કેક જેવી લાગે છે, પરંતુ મૂળ કેક ના સ્વાદ ની વાતજ અલગ છે. જો યોગ્ય માપ અને સામગ્રી ,જેવી કે, મેંદો સોજી, ખાંડ, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, સોડા, માખણ, દહીં, કન્ડેન્સ્ડ મિલ્ક, સૂકા મેવા વગેરેથી બનાવવામાં આવે તો, તમને મોટો તફાવત નહીં જણાય કારણકે તેના પર ચોકલેટ કે ક્રીમ નું આઇસિંગ હોય છે. પણ અંદર થી કેક થોડી ઓછી નરમ અને સ્વાદમાં સહેજ ફરક લાગે છે,જે એક સ્વાદ પારખું જ પકડી શકે. મેં બંને પ્રકારની ની કેક માણી છે, ઈંડા વાળી અને ઈંડા વગરની, પરંતુ બંન્ને કેક નો સ્વાદ સહેજ અલગ હોય છે. એક રહસ્યપ્રદ વાત તો એ છે કે, ગુજરાત ની અતિ પ્રિય એવી બ્લેક ફોરેસ્ટ કેક ઈંડા વિના કેવી રીતે બની શકે? આનો કોઈ જવાબ નથી, કારણ કેક પ્રેમીઓ, ઘણીવાર ઈંડા બાબતે આંખ આડા કાન કરતા હોય છે.
ઈંડા વિનાની કેક ઓવન સિવાય હવે કૂકર, કડાઈ કે પછી હાંડવા ના કૂકર માં બનાવવામાં આવે છે. હું આ પ્રકારે ઈંડા વિનાની કેક બનાવતા લોકો ની ક્ષમતા ને ખરેખર બિરદાવું છું. એવું માનવામાં આવે છે કે ઈંડા વગરની કેક સ્વાસ્થ્યપ્રદ અને ઓછુ કોલેસ્ટ્રોલ ધરાવે છે, વધારામાં તે કોઈ પણ મહેમાન ને નિશ્ચિંતપણે પીરસી શકાય છે.
મને ઈંડા વિનાની કેકને અપનાવતા ઘણો સમય લાગ્યો. નાનપણ માં ઘરમાં જ્યારે પણ કેક બનતી તો લગભગ ડઝન એક ઈંડા ફેંટવા નું કામ મારે ભાગે આવતુ. એટલે મારા માટે ઈંડા અને કેક એક બીજા ના પર્યાય છે . આજે ઈંડા વગરની કેક-બેકરી અને “હોમશેફ” પાસે થી ખરીદવામાં આવે છે. કેક બેક કરવાની પદ્ધતિ પણ બદલાઈ છે, જૂની ઢબની ભઠ્ઠીથી લઈ ને નવા જમાનાના ઇલેક્ટ્રિક ઓવન સુધી પહોંચી ગયી છે. વર્ષોથી, હું ભૂલી ગઈ હતી કે કેક માં ઈંડા હોય, પણ તેનો એહસાસ ત્યારે થાય છે જ્યારે કોઈ મહેમાન નમ્રતાપૂર્વક કેકનો અસ્વીકાર કરે, કારણકે તેમાં ઈંડા હશે. કદાચ, કેટલાક લોકોની ઘણેન્દ્રિય તીવ્ર હોય છે અને તે ગમે તેવી સારી બનાવેલી કેક માંથી ઈંડા ની સુગંધ પારખી લે છે.
અમદાવાદીઓ ક્રિસમસ હોય કે જન્મ દિવસ, દરેક ખાસ પ્રસંગ કેક વગર ન ઉજવે, પણ તે ઈંડા વિનાની જ હોય! બીજી તરફ લસણ પ્રત્યે પણ ઈંડા જેવી પ્રતિક્રિયા જોવા મળે છે. આ વાતનો એહસાસ મને ત્યારે થયો જ્યારે મેં એક નવી ખુલેલી બેકરી માં ગાર્લિક બ્રેડ માંગી. મારા દુર્ભાગ્યે, “શોપકીપર” નારાજ થઈ ગયો અને કહ્યું,” આ ઈંડા વગરની બેકરી છે,” એટલે લસણ પણ વર્જીત હતું. મને એ ન સમજાયું કે બ્રેડ માં ઈંડા અને લસણનો પરસ્પર શું સંબંધ છે? મારી મુશ્કેલી માં વધારો થયો, કેમકે કોઈ પણ ભોજન સમારંભમાં , ડુંગળી-લસણ વિનાની વાનગીઓ નું કાઉન્ટર અલગ રાખવામાં આવે છે.
તાજેતર ના સમયમાં, હું એવા ઘણાં લોકોને મળી છું જે “એગિટેરિયન” હોય અને ગોપનીય રીતે માંસાહારી પણ હોય છે. જૂના શહેર ની ભઠીયાર ગલીમાં ઘણાં લોકો મોડી રાત્રે કબાબ અને આમલેટ ની મજા માણવા જતા હોય છે. એ વાત જાણીતી છે કે સાહીઠ ના દશક ના અંત થી, મધ્યરાત્રીએ ; અમુક રસ્તાઓ પર “મસાલા આમલેટ” ની લારીઓ હોય છે જે ઈંડા પ્રેમી શાકાહારીઓ ના સ્વાદ ને પોષે છે. પ્રોટીનની ઊણપ ને કારણે ડોક્ટર ઘણીવાર ઈંડા ખાવાનું સૂચવે છે જે આ વ્યક્તિઓ માટે “ભાવતું તું ને વૈદ એ કીધુ” જેવું છે. આવી એક જગ્યાએ “સાત્વિક ચિકન” લખેલુ વાંચ્યું હતું. તેના માલિક ને પૃછા કરતા મને જાણવા મળ્યુ, કે આ ચિકન ને ડુંગળી-લસણ વગર બનાવવામાં આવે છે.
હવે અમદાવાદીઓ વૈશ્વિક અને સાહસિક વિશ્વ-પ્રવાસી બન્યા હોવાથી, તેનો ખાસો પ્રભાવ આ શહેર ના શાકાહારીઓ ની ખાણીપીણી ની આદતમાં દેખાય છે.
મેં એ જોયું કે, મહામારી દરમ્યાન, ખાવાની આદત ઘણી બદલાઈ છે અને પ્રાયોગિક ફ્યૂઝન ફૂડ દૃશ્યમાન થયું. જેમ કે તૈયાર પાણીપુરી સાથે જુદા જુદા પચાસ જાત ના પાણી ના મસાલા પાઉચ ઉપલબ્ધ થયા હતા. આ સમયગાળા દરમિયાન મેં એ પણ જોયું કે બાળકો ને “ખાખરા” કે “ખીચડી” કરતા “વોફલ્સ” વધારે પસંદ હતા. વિવિધ ગુજરાતી વાનગીઓ જમવા ના ટેબલ પર થી અદૃશ્ય થઈ રહી છે અને “ઈંડા વગરનો” શબ્દ વપરાતો નથી, તેના બદલે ફૂડ પેકેટ પર લાલ રંગ નું ટપકું નોનવેજીટેરિયન સૂચવે છે અને લીલા રંગ નું ટપકું શાકાહારી સૂચવે છે.
ગમે તે હોય, આ ભેદભાવ ના બિંદુઓ મને નિરાશ કરે છે અને હવે હું કેક, બિસ્કિટ કે ખાખરા પણ ભેટ માં આપતી નથી, તેના બદલે ફૂલનો ગુલદસ્તો આપવાનું પસંદ કરું છુ, અને આશા રાખું છું કે તેના ખાતર માં કોઈ પ્રાણીજન્ય પદાર્થ નહીં હોય.
આખરે, હું એ નિષ્કર્ષ પર આવી છું કે “માંસાહાર ” શબ્દ આપણા રોજિંદા જીવનની ઘણી વાતો સાથે જોડાયેલો છે.જેમ કે, જો તમે પશ્ચિમ અમદાવાદમાં ઘર શોધી રહ્યા હોય, અને તમારું નામ ને અટક વિશિષ્ટ હશે તો એજન્ટ અથવા મકાન માલિક તમને શંકાભરી નજરે જોશે અને પૂછશે,”શું તમે ઈંડા ખાવ છો? …તો માફ કરશો, અમે માંસાહારી ને ઘર વેંચતા નથી અને ભાડે પણ નથી આપતા”… તમે કોઈ દલીલ નહીં કરો , ત્યાં થી ચાલવા માંડશો, બીજા ઘર ની શોધમાં જ્યાં “કોસ્મોપોલિટન” પ્રજા વસતી હોય. આમ ઘર શોધવું સહેલું નથી. આ કોઈ વિવાદનો વિષય નથી, એક તહેવાર દરમિયાન, જ્યારે કોઈ એક ફ્લેટમાં ધાર્મિક વિધિ ચાલી રહી હતી, ત્યારે તેમના પડોશીએ બપોરના ભોજન માટે માછલી બનાવી હતી; જેનાથી બીજા પાડોશીએ ગુસ્સો કર્યો અને તેમની વચ્ચે મોટો ઝઘડો થયો અને એ બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ યુદ્ધ ક્ષેત્રની જેમ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું.
હા, આપણે એક વિભાજિત શહેરમાં રહીએ છીએ, જ્યાં કેટલાક વિસ્તારો માંસાહારી છે, જ્યારે અમદાવાદનો મોટો ભાગ શાકાહારી છે. તેથી, શહેરના ભૂગોળના ચોક્કસ વિસ્તારોમાં માંસાહારી ખોરાક પીરસતી રેસ્ટોરન્ટ્સ છે.
ઉપરોક્ત ઘટના થી વિપરીત, મને બાળપણના ખૂબ મીઠા સંભારણાં છે, અમે જ્યારે એક કોસ્મોપોલિટન હાઉસિંગ સોસાયટીમાં રહેતા હતા જેની આજુબાજુ સુંદર બગીચો હતો, ત્યાં કોઈ મોટા પ્રતિબંધો નહોતા, પરંતુ વિશાળ હૃદયથી સ્વીકાર્યતા હતી. તેથી, જો કોઈ કાગડો અમારા શાકાહારી પાડોશીના આંગણામાં હાડકું ફેંકી દેતો, તો પણ તેઓ ક્યારેય વિરોધ કરતા નહીં, તેના બદલે તેઓ સફાઈ કામદારને તે ઉપાડીને કચરાપેટીમાં ફેંકી દેવાનું કહેતા. તે આદર્શ વર્ષો દરમિયાન, એક ઘરથી બીજા ઘરમાં શાકાહારી સ્વાદિષ્ટ વાનગીઓનું સતત આપલે થતું હતું, જે તેમના પોતાના રસોડામાંથી વાટકી અથવા “વાટકીઓ” માં મોકલવામાં આવતુ હતું. આ આપલે ને મોહક રીતે “વાટકી-વેહવાર” તરીકે ઓળખવામાં આવતો હતો, જે એકબીજાના ભોજનને વહેંચવાની પરંપરા તરીકે જાણીતી હતી. આ એક સંપૂર્ણ વ્યવસ્થા હતી, જે અમદાવાદમાં લાંબા સમય સુધી ચાલી હતી. એકમાત્ર પ્રતિબંધ એ હતો કે માંસાહારી પડોશીઓ તેમના શાકાહારી પાડોશીના રસોડામાં અથવા પૂજા-ખંડમાં પ્રવેશતા ન હતા. ખોરાક ની આ મૈત્રીપૂર્ણ આપલે ની વ્યવસ્થા હવે ઘણા કારણોસર લગભગ લુપ્ત થઈ ગઈ છે, જેમ કે બહુમાળી રહેઠાણ અને એકલાપણું હવે અમદાવાદમાં પણ પ્રવેશી ગયું છે, જે એક સમયે વિકસિત મોટા ગામડા જેવું હતું, પરંતુ હવે તે એક વિશાળ, બિનઆયોજિત શહેરી મહાનગરમાં પરિવર્તિત થઈ ગયું છે, સાણંદથી ગાંધીનગર અને તેનાથી આગળ ફેલાયેલું છે. તહેવારો દરમિયાન પણ આવું જ બને છે, કુરિયર કંપનીઓ દ્વારા સંબંધીઓ અને મિત્રોને ડિસ્પોઝેબલ પ્લેટર અથવા બોક્સમાં મિષ્ટાન્ન મોકલવામાં આવે છે.
મને એ જાણી નવાઈ લાગી કે “તંદૂરી-ચિકન” અને બટર-ચિકન કેટલાક ઘરોમાં ખૂબ જ પ્રિય છે; પરંતુ તે હાડકાં વગરનું હોવું જોઈએ. ખૂબ ઓછા શાકાહારી પરિવારો ઘરે માંસાહારી ખોરાક બનાવે છે, પરંતુ અહીંના અદ્ભુત હોમ-શેફ્સ ને ઓનલાઈન ઓર્ડર આપે છે, જેમણે ફૂડ ઉદ્યોગમાં મોટી પ્રગતિ કરી છે. કેટલીકવાર, આને ડિસ્પોઝેબલ પ્લેટોમાં પીરસવામાં આવે છે, જેથી રસોડું અભડાય નહીં. આમ મોટાભાગના અમદાવાદીઓ રાત્રિભોજન પાર્ટીઓ માં શાકાહારી ભોજનનું આયોજન રાખવાનું પસંદ કરે છે. આ સંદર્ભમાં, મને યાદ છે; એકવાર એક નજીકના મિત્રએ તેના મિત્રો માટે શાકાહારી અને માંસાહારી બંને ખોરાક પીરસવાનું નક્કી કર્યું, તેથી તેના ડાઇનિંગ ટેબલ પર દરેક પ્રકારની શાકાહારી વાનગીઓ હતી, પરંતુ તેણે નજીકમાં નાના ટેબલ પર “બિરયાની” ની “હાંડી” મૂકી. આ રીતે, તેણે સમસ્યાનું સમાધાન કર્યું અને પાર્ટી ખૂબ જ સફળ રહી.
અમદાવાદમાં ફ્યુઝન ફૂડની આખી રચના લોકપ્રિય બની છે, કારણ કે તે પરંપરાગત ગુજરાતી ભોજનથી અલગ છે. મોટાભાગના અમદાવાદીઓ હવે દુનિયાભરમાં ફરતા થયા છે અને વિવિધ સ્વાદ અને સામગ્રીનો પ્રયોગ કરવાની ઇચ્છા સાથે ઘરે પાછા ફરે છે. કદાચ આજ, વિવિધ દેશોની ખાદ્ય આદતોને ભારતીય ભોજનમાં ભેળવવાનો અર્થ છે ફ્યૂઝન. આમ ભારતીયોની ખાવાની આદતો બદલાઈ છે. અલબત્ત, ક્યારેક ક્યારેક, તેઓ પરંપરાગત ભારતીય ખોરાક તરફ પાછા ફરે છે, પરંતુ તે અનિચ્છનિય પસંદગી હોય તેવું લાગે છે અને ઘણીવાર તેને “દેશી” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ટેબલ પર ફ્યુઝન-ફૂડ રાખવું ફેશનેબલ ગણાય છે. મને કહેવામાં આવ્યું છે કે, ફ્યુઝન ફૂડ બનાવવું સરળ છે કારણ કે મોટાભાગની સામગ્રી સુપરમાર્કેટમાં ઉપલબ્ધ હોય છે અને તમારે ફક્ત તૈયાર ખાવાના પેકેટોને મિક્સ અને મેચ કરવાનું હોય છે.
અમદાવાદમાં, તમને જોઈતી દરેક વસ્તુ ઉપલબ્ધ છે, તેથી “પાસ્તામાં” હંમેશા “પાર્સલી” અને “પરમેઝાન” ચીઝ હોય છે…પછી ભલે ખોરાકનો સ્વાદ જાણે કે મંચુરિયા, રોમથી અમૃતસર ફરી ને આવ્યો હોય એવું લાગે.
આ સંદર્ભમાં, “મહારાજ” પાસે ફ્યુઝન-ફૂડ અને મલ્ટી-કુઇઝીન રેસિપીમાં નિષ્ણાત હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. અસામાન્ય વાનગીઓ બનાવવામાં તેમની કુશળતાને હું બિરદાવું છું.
લગ્નના ભોજન સમારંભોમાં આ પરિવર્તન જોવા મળ્યું છે, કારણ કે કેટરર્સને ફ્યુઝન-મલ્ટી-ક્યુઝિન ડિનર પીરસવાનું કહેવું ફેશનેબલ છે. કદાચ, તેની શરૂઆત લાઇવ-પાસ્તા-કાઉન્ટર, ચાઇનીઝ ફ્રાઇડ રાઈસ ,મંચુરિયન બોલ્સ, મેક્સિકન ભેળ, ભાખરી પિઝા, મીની બર્ગર, મીની વેજિટેબલ પફ, પીટા-બ્રેડ સાથે હમસ સુધી પહોંચી ગઈ છે. સ્ટાર્ટર ના ટેબલ પર ફ્રેન્ચ બ્રેડ નું ડિસ્પ્લે હોયજ, પણ ઈંડા હોવા ની આશંકાના લીધે તેનો લગભગ નજરઅંદાજ થતો હોય છે .
ધીમે ધીમે, ટામેટાંનો સૂપ, “મંચાઉ સૂપ” અથવા બ્રોકોલી-બદામ સૂપના આગમન થી લુપ્ત થઈ ગયો, જેની સાથે “પીટા બ્રેડ” ના નાના ટુકડાઓ અને સાથે ફ્રાઇડ નૂડલ્સ, નાના દહી-કબાબ અથવા મિનિ-હરા-ભરા-કબાબ પીરસવામાં આવે છે. અને, જ્યારે મિષ્ટાન્ન ની વાત આવે, ત્યારે રોજિંદી ભારતીય, પશ્ચિમી “મીઠાઈ” કેક અને આઈસ્ક્રીમ હોય ઉપરાંત, ચોકલેટ-ફાઉન્ટન વિના ટેબલ અધૂરું ગણાય.
છતાં, આ પરિસ્થિતિમાં, પનીર-ખાડા-મસાલા, દાલ-મખની, જીરા-રાઈસ, કાકડી-ગાજર નું સલાડ અને પાપડ, સમયની કસોટી પર ખરું ઉતાર્યું છે, કારણ કે તે ભારતનો મુખ્ય ખોરાક કહી શકાય .
છતાં, એવું કહેવાય છે કે, અમદાવાદઓ ચીઝ, ઈંડા અને પનીર (કૃત્રિમ પણ) ના સૌથી મોટો ઉપભોક્તા છે.
સ્ટ્રીટ ફૂડ હંમેશા અમદાવાદનો આત્મા રહ્યો છે, જેમાં વિવિધ પ્રકારના ગુજરાતી નાસ્તાનો સમાવેશ થાય છે.
અમદાવાદ આશ્ચર્યથી ભરેલું છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં, “મોગલાઈ” સ્ટ્રીટ ફૂડ “ચાઈનીઝ-મોગલાઈ” સ્વાદ સાથે પીરસવામાં આવે છે, જેમકે “ચિકન-દાના,” નૂડલ્સ જેમાં ઘણી જાતભાત ની અજાણી ચટણીઓ નાખીને બનાવવામાં આવે છે. ચાઈનીઝ-મોગલાઈ ફૂડ જે રીતે બનાવવામા આવે છે તે જોવુ એક અદ્ધભૂત આનંદ છે, કારણ કે તે એક રમત જેવું લાગે છે. બાવરચીના હાથ એક્રોબેટની જેમ ફરે છે , તે ક્યારેય કોઈ હિલચાલ અથવા સામગ્રી ચૂકતો નથી. હાથની હલનચલન લાંબા સમય ની પ્રેક્ટીસ પછી કેળવાઈ છે, તે એક મિનિટ બગાડ્યા વિના ખામીરહીત વાનગી પીરસે છે અને તરત બીજા ઓર્ડર તરફ વળે છે.
અમદાવાદના જૂના શહેરમાં ચાઇનીઝ-મોગલાઈ ખાણીપીણીની દુકાનો ફેલાયેલી છે અને દરેકની શૈલી અને મેનુ અલગ છે. આ ઘણીવાર માંસાહારી સ્ટ્રીટ-ફૂડમાં એક નવો સમાવેશ તરીકે જાણીતું છે અને તે ફ્યુઝન ફૂડનું એક અસામાન્ય સ્વરૂપ છે.
આ રસોઇયા શેઝવાન, હક્કા, હોંગકોંગ, સિંગાપોરિયન અને મંચુરિયન જેવા નામો સાથે ત્રીસ પ્રકારની ચાઇનીઝ-મોગલાઈ વાનગીઓ બનાવી શકે છે. અને, જો તે બધું એકસરખુ લાગે, તો તેનો દોષ ચાઇનીઝ-મોગલાઈ જોડાણને આપવો!
તાજેતરમાં, અમદાવાદીઓ જાપાનીઝ અને કોરિયન ભોજનનો સ્વાદ પણ વિકસાવી રહ્યા છે, “સુશીના” શાકાહારી સ્વરૂપમાં ભાત, તલ, કાકડી અને ગાજર જેવી સામગ્રીથી બનાવવામાં આવે છે. તાજેતરમાં, બર્મીઝ “ખાઓ સુએનું ” શાકાહારી સ્વરૂપ પણ કેટલીક પાર્ટીઓમાં પ્રચલિત થયું છે.
ડુંગળી એક પ્રાચીન મૂળ છે, જે હજારો વર્ષોથી માનવજાતની સેવા કરી રહી છે; બાંધકામ સ્થળોએ કામ કરતા લોકોને જુઓ, બાજરી
ના રોટલા, ડુંગળી, લીલા મરચાં, મીઠું અને કદાચ ગોળનો ટુકડો, એક ગ્લાસ પાણી અથવા છાશ સાથે ખાય છે, જે તેમની શરીર ની તાકાત જાળવી રાખવા માટે પૂરતું છે.
અમદાવાદે સ્વીકાર્યું છે કે મોટાભાગની વાનગીઓમાં ડુંગળી મુખ્ય સામગ્રી છે અને અમદાવાદીઓ આ ડુંગળી વાળી ગ્રેવી ને ખૂબ માણી રહ્યું છે.
એવું કહેવાય છે કે કબાબ મધ્ય એશિયાથી ભારતમાં આવ્યા હતા. કબાબ હંમેશા બધાંને પસંદ હોય છે અને મટન- ખીમા થી બનાવવામાં આવે છે અને તેને સીખ કબાબ પણ કહેવા માં આવે છે. પરંતુ, ફ્યુઝન ફૂડના આ યુગમાં, લોકો વિવિધ પ્રકારની વાનગીઓનો પ્રયોગ કરે છે અને આખરે એક સમકાલીન રેસીપી બનાવે છે, જે બંને પ્રકારના ભોજનને અનુકૂળ આવે છે. તાજેતરમાં, “કબાબ” પણ શાકાહારી બન્યા છે તે “પનીર” અને કેપ્સીકમ મરચા સાથે સીખ પર બનાવવામાં આવે છે અથવા “કાબુલી ચણા કે રાજમા જેવી અન્ય સામગ્રી સાથે શાકાહારી “શામી કબાબ” બનાવવામાં આવે છે. તે સાબિત કરે છે કે ફ્યુઝન ફૂડ હવે પરંપરાગત ખોરાકના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યું છે.
છતાં, રસપ્રદ વાત એ છે કે, મોટાભાગના પરિવારો ઘણીવાર ગુજરાતી થાળી રેસ્ટોરન્ટમાં ભવ્ય ભોજન લે છે, કારણ કે તેમાં “નવરસ” અથવા જીવનના નવ સ્વાદનું પ્રતીક છે, જે ગુજરાતી ભોજન નો અધભૂત લાહવો છે . અમદાવાદીઓ તેમની મનગમતી “ફરસાણ”ની દુકાનેથીજ “ખમણ”, “ઢોકળા” મસાલેદાર “ચવાણું” , તમામ પ્રકારની “સેવ” “ગાંઠિયા”, “સમોસા” અને “દશેરા” દરમ્યાન ફાફડા-જલેબી લે છે!
સુલ્તાન અહેમદ શાહના સમયથી, ભઠીયાર ગલી પૂર્વ અમદાવાદના જૂના શહેરમાં અસ્તિત્વમાં છે. ત્રણ દરવાજાનો વિસ્તારમાં અરબસ્તાનથી લઈને બનારસ સુધીના શ્રેષ્ઠ સ્વાદ અને સુવાસ નો સંગમ છે, જેમાં તાજા બેક કરેલા નાન, શેકેલા મગફળી, તળેલા સમોસા, ગરમાગરમ હલીમ, સુગંધિત ફુદીના અથવા મુખવાસનો સમાવેશ થાય છે. ચિકન અને મટનની વિવિધ વાનગીઓ ઉપરાંત, તે ખીમા-સમોસા માટે પણ જાણીતું છે.
વર્ષો પહેલા, જ્યારે મેં ‘ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, ‘અમદાવાદ-મિરર’ અને ‘ફેમિના-ગુજરાત’ માટે જ્યારે ફૂડ-કોલમ લખતી હતી, ત્યારે મને અહીંનો પરંપરાગત,રસપ્રદ આહાર નો વારસો મળ્યો. દુઃખની વાત છે કે આ વંશપરંપરાગત વરસો લુપ્ત થવાની આરે છે. એટલે, હવે મેં”એગલેસ” અને “બોનલેસ” જેવા શબ્દો સ્વીકારી લીધા છે.
છતાં, એ જાણીને આનંદ થાય છે કે મોટાભાગના અમદાવાદીઓ તેમના ફરસાણ અને પરંપરાગત થાળીને પસંદ કરે છે, જેમાં નવરસના તત્વો છે; જેવા કે રંગ, રૂપ અને સ્વાદ, અને સાથે સાથે તેમના ભોજનના વારસાને પણ સાચવી રહ્યા છે.